Author: ડાહ્યાભાઈ દેરાસરી

ડાહ્યાભાઈ દેરાસરી

ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (૧૮૫૭–૧૯૩૮) : કવિ, વિવેચક, સંપાદક, સંશોધક, અનુવાદક ડાહ્યાભાઈ દેરાસરીનો જન્મ સુરતમાં થયેલો. પૂનાની કૉલેજમાં વિજ્ઞાનના વિદ્યાર્થી રહ્યા પછી ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ૧૮૯૬માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં બાર ઍટ લૉ પણ કર્યું ને અમદાવાદ આવીને વકીલાત કરી.

એ સૌથી વધારે જાણીતા છે ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષાના પુસ્તક 'સાઠીના સાહિત્યનું દિગ્દર્શન'થી, પણ એ પૂર્વે એમણે હરિગીત અને દોહરામાં લખેલાં ૩૦૦-૪૦૦ પંક્તિઓનાં સળંગ કાવ્યો 'ચમેલી' તથા 'બુલબુલ'(૧૮૮૩)ની રચના કરેલી છે, બીજા બે કાવ્યગ્રંથો પણ એમણે રચ્યા છે.

એ ઉપરાંત મધ્યકાલીન 'કાન્હડદે પ્રબંધ'નું ટિપ્પણો સાથેનું સંપાદન (૧૯૧૩) અને એનો સુગમ અનુવાદ, તથા મરાઠી કોશને આધારે ગુજરાતીમાં તૈયાર કરેલો 'પૌરાણિક કથાકોષ' (૧૯૩૧), પણ એમનો યશ વધારનારાં મહત્ત્વનાં વિદ્યાકાર્યો છે. 'રણજિતસિંહ'(૧૮૯૫) અને 'શહેનશાહ પંચમ જ્યૉર્જ' (૧૯૩૦) એ અનુવાદો તથા 'ભૌગોલિક કોશ' તથા વિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો પણ એમનાં બીજાં અગત્યનાં કાર્યો છે.

– રમણ સોની

Searching...