Author: દિલીપ ઝવેરી

દિલીપ ઝવેરી

દિલીપ ઝવેરી (જન્મ ૩-૪-૧૯૪૩) : એમનો જન્મ મુંબઈમાં થયો. એમના પિતાનું નામ મનુભાઈ અને માતાનું નામ સુશીલાબહેન. પ્રાથમિકથી માંડીને ઇન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યા પછી તેઓ પૂનાની પ્રખ્યાત બી.જે. મેડિકલ કૉલેજમાંથી ૧૯૬૬માં એમ.બી.બી.એસ. થયા. શરૂઆતમાં થાણા અને નાસિકના જિલ્લા ક્ષયરોગ અધિકારી તરીકે દસેક વર્ષ સેવા આપ્યા પછી, થાણામાં પોતાને દવાખાને દાક્તરી કરી. જોકે એમાંય વ્યવસાય કરતાં સેવાનો ઉદ્દેશ આગળ રાખ્યો, એટલે સામાન્ય — ગરીબ જનતામાં તેઓ લોકપ્રિય બન્યા. એમના દ્વારા સંચાલિત થાણા જિલ્લાના આદિવાસી બાળકો માટેની આરોગ્ય યોજનાઓની નોંધ છેક UNICEF અને WHO સુધી લેવાઈ. આ માનવીય નિસ્બત એમની કવિતામાં પણ કળાશે.

દિલીપ ઝવેરી આધુનિક ગુજરાતી કવિતાના અગ્રણી કવિ છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પાંડુકાવ્યો અને ઇતર' (૧૯૮૯) ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે. જે આધુનિક ગુજરાતી કવિતામાં ખૂબ ધ્યાનપાત્ર બન્યો. એ પછી તેમણે 'ખંડિત કાંડ અને પછી' (૨૦૧૪), 'કવિતા વિશે કવિતા' (૨૦૧૬) અને 'ભગવાનની વાતો' (૨૦૨૧) કાવ્યસંગ્રહો આપ્યા છે.

દિલીપ ઝવેરી આરોગ્યશાસ્ત્ર અને કવિતા ઉપરાંત ચિત્રકલા, મનોવિજ્ઞાન તેમજ તત્ત્વજ્ઞાનમાં પણ વિશેષ રુચિ ધરાવે છે. આ ક્ષેત્રોને લગતી એમની જાણકારી અને સમજણ કોઈ નિષ્ણાંતનેય અચંબો પમાડે એવી છે. દિલીપ ઝવેરીએ કાવ્યવાચન માટે જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના નિમંત્રણથી દેશ-વિદેશના ઘણા પ્રવાસો કર્યા છે. એમની કવિતા પણ અનુવાદ દ્વારા ઘણી ભાષાઓમાં પહોંચી છે. ગુજરાતીમાં જે કેટલાક કવિઓના કાવ્યપાઠ સદા સ્મરણીય છે એમાં એક દિલીપ ઝવેરી પણ છે. એમને જે-જે પારિતોષિક પુરસ્કાર મળ્યાં છે તેમાં સંધાન-ક્રિટિક્સ ઍવૉર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, જયંત પાઠક પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમીનું જીવનગૌરવ પારિતોષિક, તથા બૂકસેલર ઍન્ડ પબ્લિશર્સ એસોસિએશન ઑફ સાઉથ ઇન્ડિયાનો રાષ્ટ્રીય સ્તરે અપાતો શ્રી કરુણાનિધિ પુરસ્કાર મુખ્ય છે. તેમના 'ભગવાનની વાતો' કાવ્યસંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો ૨૦૨૪નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.

– રાજેશ પંડ્યા

Searching...