વિપુલ પુરોહિત
ડૉ. વિપુલ પુરોહિત ગુજરાતી વિષયના અધ્યયનશીલ અધ્યાપક છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર પદે કાર્યરત છે. બે દાયકાની અધ્યાપન કારકિર્દીમાં તેઓનાં પચાસથી વધુ સમીક્ષા-અભ્યાસલેખો ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયા છે.
'ગુજરાતી લલિતનિબંધ: સ્વરૂપ અને સમૃદ્ધિ' (2010) નામે તેમનો સંશોધન ગ્રંથ પ્રકટ થયો છે. જેમાં સુરેશ જોષીથી શરૂ કરીને યજ્ઞેશ દવે સુધીના નિબંધકારોના લલિતનિબંધ સર્જનને વિશદ્દ રીતે તેમણે મૂલવી આપ્યું છે. તે ઉપરાંત 'ભાવબિંબ'(2018) અને 'સચેતસ'(2018) નામે વિવેચનગ્રંથ પ્રકટ થયા છે. આ વિવેચનગ્રંથોમાં તેમની આગવી શૈલી અને અભિગમ જોઈ શકાય છે. એકત્ર ફાઉન્ડેશનના માધ્યમે ઓનલાઈન પ્રકાશિત અનુઆધુનિક કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત 'મનોહર ત્રિવેદીના કાવ્યો'નું સંપાદન પણ તેઓએ કર્યું છે. 'ગુજરાતી ટૂંકી વાર્તા : વહેણો અને વળાંકો' અને 'સુમન શાહ સાહિત્યસંપૂટ'માં પણ મહત્ત્વના સમીક્ષા લેખો લખ્યાં છે. 'ગુજરાતી નવલકથા પરિચયકોશ'માં ગુજરાતી ભાષાની જાણીતી નવલકથાઓ વિશે માર્મિક શૈલીમાં પરિચય કરાવ્યો છે. કેન્દ્રીય હિન્દી સંસ્થાન, આગ્રાના ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ ગુજરાતી-હિન્દી બોલીકોશમાં પણ ગુજરાતી ભાષાનાં તજ્જ્ઞ તરીકે સેવા આપી છે.
તેમના માર્ગદર્શનમાં સાત વિદ્યાર્થીઓએ પીએચ.ડી.નો તેમજ ૧૦ વિદ્યાર્થીઓએ એમ.ફિલ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નિબંધ, કવિતા, કથાસાહિત્ય તેમના મુખ્ય રસ અને અભ્યાસના કેન્દ્રો છે. ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી યોજાતી વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરોમાં આયોજન-સંયોજનની કામગીરીમાં સક્રિય રહ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત-આયોજિત વિદ્યાર્થીકેન્દ્રી વાંચન-અભ્યાસશિબિરમાં પણ બે વર્ષથી સંયોજકની ભૂમિકાથી કાર્ય કરે છે. 'નાટ્યવર્તુળ', ભાવનગરના ઉપક્રમે કવિશ્રી દલપતરામ રચિત અને ડૉ. મહેન્દ્રસિંહ પરમાર દિગ્દર્શિત 'મિથ્યાભિમાન' નાટકમાં અભિનેતા તરીકે રઘનાથ ભટ્ટની ભૂમિકા ભાવનગર, સૂરત, અમદાવાદ, ગાંધીનગર, કલકત્તા, વડોદરા, મહુવા(અસ્મિતાપર્વ), સુરેન્દ્રનગર જેવાં ઘણાં શહેરોનાં પ્રયોગોમાં ભજવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંવાહક તરીકે પણ સફળ કામગીરી બજાવી છે.