મનસુખલાલ ઝવેરી (જન્મ ૩ ઑક્ટોબર ૧૯૦૭; અવ. ૨૭ ઑગસ્ટ ૧૯૮૧) : ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના અગ્રણી કવિ-વિવેચકોમાંના એક મનસુખલાલ ઝવેરીએ ૧૯૨૮માં સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરેલો કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલ નાટકના અનુવાદ દ્વારા. ‘મેઘદૂત’ના અનુકરણ રૂપે નહિ, પણ અનુસર્જન રૂપે લખેલું ‘ચંદ્રદૂત’ કાવ્ય એ તેમની પહેલી મૌલિક કાવ્યકૃતિ. એ વખતે તેમની ઉંમર ૨૧ વરસની. કૌટુંબિક વ્યવસાય ઝવેરાતનો. પણ તે મૂકીને મનસુખભાઈએ સાહિત્યી વાટ પકડી. તેમનાં શરૂઆતનાં લખાણો પર સંસ્કૃત સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓનો ઘેરો પ્રભાવ. ૧૯૩૩માં પ્રગટ થયો પહેલો કાવ્યસંગ્રહ ‘ફૂલદોલ’. તે પછી પ્રગટ થયેલા તેમના કાવ્યસંગ્રહો તે ‘આરાધના’ (૧૯૩૯), ‘અભિસાર’ (૧૯૪૭), ‘અનુભૂતિ’ (૧૯૫૬), અને ‘ડૂમો ઓગળ્યો’ (૧૯૭૫).
કવિતા પછી બીજું મહત્ત્વનું પ્રદાન વિવેચન ક્ષેત્રે. ‘થોડા વિવેચન લેખો’ (૧૯૪૪), ‘પર્યેષણા’ (૧૯૫૩), ‘અભિગમ’ (૧૯૬૬), ‘ગાંધીયુગનું સાહિત્ય’ (૧૯૭૮), જેવા વિવેચન ગ્રંથોમાં તેમણે ગુજરાતીના કેટલાક અગ્રણી લેખકો અને તેમની કૃતિઓની નિર્ભીક, પણ સમતોલ વિવેચના કરી છે. વિષદતા, વિશ્લેષણ, સદૃષ્ટાન્ત ચર્ચા, નિ:શેષકથન, એ એમના વિવેચનોનાં આગવાં લક્ષણ છે. ગમે તેવા માંધાતા કર્તા કે ગમે તેવી પ્રતિષ્ઠિત કૃતિ અંગે પણ પોતાની વાત તેઓ પૂરી નિખાલસતાથી રજૂ કરે છે. સાહિત્ય પદાર્થ અંગેની તેમની સૂઝ, સમજ, અને પરખ પાક્કી છે.
ભાવનગરની શામળદાસ કોલેજમાંથી એમ.એ. કર્યા પછી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર મનસુખભાઈએ પોરબંદર અને કલકત્તાની કોલેજોનાં પ્રિન્સીપલનાં પદની જવાબદારી સંભાળી હતી. મુંબઈમાં કે. જે. સોમૈયા કોલેજ અને મિઠીબાઈ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું હતું. પણ એક અધ્યાપક ઉપરાંત કવિ અને વિવેચક તરીકેનો તેમનો સુવર્ણકાળ તે તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકેનો ૧૯૪૫થી ૧૯૫૯ સુધીનો સમય. ૧૯૬૬માં તેમણે ન્યૂ યોર્ક ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તેઓ વખતો વખત મુંબઈની અને ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.
– દીપક મહેતા