કોલેજનાં છ વરસના અભ્યાસ દરમિયાન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળના વાર્ષિક ‘રશ્મિ’ માટે કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિશે લેખ લખ્યો ત્યારથી પુસ્તકો વિશે લખવાનું આજ સુધી ચાલતું રહ્યું છે. પણ ૨૧મી સદીની શરૂઆતથી તેમાં એક વળાંક આવ્યો: ૧૯મી સદીના લેખકો, તેમનાં પુસ્તકો, અખબારો અને સામયિકો, સંસ્થાઓ વગેરે વિશે વધારે ને વધારે લખવાનું થતું ગયું. આપણા આજના સાહિત્યના બધા આવિષ્કારો ઊભા છે ૧૯મી સદીના સૂરજના છડીદાર જેવા અને ‘દીપે અરુણું પરભાત’ની છડી પોકારનાર લેખકો, કવિઓ, પત્રકારો, સમાજસુધારકો, સંસ્થાઓના સ્થાપકો વગેરેના પ્રચંડ પુરુષાર્થની પીઠિકા પર.
૧૯મી સદી વિશે લખાતું ગયું અને એના સંગ્રહરૂપ પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં. આજ સુધીમાં પ્રગટ થયેલા કુલ નવ પુસ્તકોમાંથી ચૂંટીને પસંદ કરેલા લેખો અહીં મૂક્યા છે.
નર્મદ-દલપતથી શરૂ થતા એક કાલખંડને ‘સુધારક યુગ’ તરીકે ઓળખવાનો આપણે ત્યાં ચાલ છે. પણ એ જમાનામાં સમાજ સુધારો એ એક મુખ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ ખરી. પણ એકમાત્ર નહિ. એ વખતે જે વિચારાતું, બોલાતું, લખાતું, છપાતું, વંચાતું હતું એની પાછળનું પીઠબળ પૂરું પાડનાર તો હતી ‘નવજાગૃત્તિ’ માટેની અભિલાષા અને આશા. વીર કવિ નર્મદે એટલે જ ગાયું હતું: ‘ઝટ ડ્હોળી નાંખો રે, મનજળ થંભ થયેલું’.
મન જળને ડ્હોળી નાખે તેવી કેટલીક કૃતિઓ અને પ્રવૃત્તિઓનો આછેરો અંદાજ વાંચનારને આ લેખો દ્વારા મળી રહે એનાથી વધુ નથી કોઈ આશા કે નથી કોઈ અપેક્ષા.
– દીપક મહેતા