Author: ભરત મહેતા

ભરત મહેતા

ભરત ભાનુપ્રસાદ મહેતા (જન્મ 8 ઑગસ્ટ 1964) : પાંચસોથી વધુ અભ્યાસપ્રદ તથા લોકભોગ્ય વ્યાખ્યાનો આપનાર પ્રો. ભરત મહેતા ગુજરાતી ભાષા-સાહિત્યના ખ્યાત વિવેચક, સંપાદક અને સંશોધક છે. ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા’ના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકેની એમની કારકિર્દી સુદીર્ઘ, વિદ્યાનુરાગી અને નિતાંત સમૃદ્ધ રહી છે. 

પ્રો. ભરત મહેતાની ઓળખ મુખ્યત્વે રસજ્ઞ, મર્મજ્ઞ, તટસ્થ અને સ્પષ્ટભાષી વિવેચક તરીકેની છે. ‘જયંત ગાડીતનું કથાસાહિત્ય’ (1992), ‘કથામંથન’ (1993), ‘નાટ્યનાન્દી’ (1995), ‘વિવેચનપૂર્વક’ (1997), ‘સંદર્ભસંકેત’(1998), ‘આર્નોલ્ડનો કાવ્યવિચાર’ (2002), ‘ભરતવાક્ય’ (2003), ‘પ્રતિબદ્ધ’(2005), ‘ચાર નવલકથાકારો’ (2006), રેખાંકિત’ (2008), ‘કળાકારનો ઇતિહાસબોધ’ (2008), ‘મેઘાણી સાહિત્યની ભૂમિકા’ (2010), ‘ભારતીય નવલકથા’ (2012), ‘સમકાલીન ગુજરાતી નવલકથા’ (2018) વગેરે સ્વતંત્ર વિવેચનગ્રંથોમાં એમનું સૈદ્ધાંતિક તેમજ પ્રત્યક્ષ વિવેચન ગ્રંથસ્થ થયું છે. કૃતિગત વિશ્વનાં વિધવિધ પરિમાણોને તાગવાની સાથે પ્રો. ભરત મહેતાની વિવેચના કૃતિના અનુષંગે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય તેમજ આર્થિક સંદર્ભોને ઉજાગર કરતી વિલક્ષણ છે. તેમની વિવેચનભાષા રસાળ, સત્યપૂત અને નર્મમર્મયુક્ત છે. સંશોધન, વિવેચન કે ઇતિહાસલેખનક્ષેત્રે અભ્યાસીઓ માટે આ વિવેચનગ્રંથો આદર્શ સંદર્ભના નમૂનારૂપ છે.

કૃતિને, સાહિત્યસિદ્ધાંતને લાક્ષણિક દૃષ્ટિથી તપાસનાર ડૉ. ભરત મહેતાએ સંપાદન અને સંશોધન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ (2002), ‘ગોરા’ (2012), વળામણા’(2013), ‘ટાગોરની વાર્તાકલા’ (2015), ‘મારી હકીકત’(1995), ‘વિવેચનાના વિવિધ અભિગમો’ (2018), ‘સત્યના પ્રયોગો’ (2016) જેવા સંપાદનગ્રંથો એમની અભ્યાસરુચિ, પરિશીલન, સજ્જતા તથા સાહિત્યવિચારક તરીકેની સંપ્રજ્ઞતાની શાહેદી ભરે છે.

પ્રો. ભરત મહેતાને યુ.જી.સી.ની અનેક રિસર્ચ ફૅલોશિપ, રિસર્ચ પ્રોજેક્ટ, એસોશિએટશીપ તથા ‘ઉપેન્દ્ર પંડ્યા શ્રેષ્ઠ મહાનિબંધ ઍવૉર્ડ’, ‘પ્રમોદકુમાર પટેલ નવ્ય વિવેચક પુરસ્કાર’, ‘સવાઈ દલિત સાહિત્ય સમર્થક ઍવૉર્ડ’, ‘કમળાશંકર પંડ્યા સાહિત્યકાર ઍવૉર્ડ’ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનાં પ્રકૃષ્ટ પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના સંપાદક, વડોદરાની સાહિત્યિક સંસ્થા ‘અક્ષરા’ના પ્રમુખ, પરિષદના પ્રસારમંત્રી અને ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ તરીકે પણ એમણે સેવા આપી છે. લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થાઓ તથા વિભિન્ન વ્યાખ્યાનમાળાઓ સાથે સંકળાઈને પ્રો. ભરત મહેતા નિરંતર વિદ્યાકીય, કલાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતા રહ્યા છે.

Searching...

Navigate
Select
Close