કાન્તિલાલ બળદેવરામ વ્યાસ
ગુજરાતી ભાષાસાહિત્યના પ્રમુખ સંશોધક, સંપાદક, વિવેચક અને ભાષાવિજ્ઞાની
કાન્તિલાલ બળદેવરામ વ્યાસ (જન્મ ૨૧-૧૧-૧૯૧૦; અવ. ૨૩-૩-૧૯૯૧) : ગુજરાતી ભાષાસાહિત્યના આગલી હરોળના સંશોધક-સંપાદક-વિવેચક-ભાષાવિજ્ઞાની અને અપભ્રંશ તથા જૂની ગુજરાતીના મર્મજ્ઞ જ્ઞાતા કાન્તિલાલ બળદેવરામ વ્યાસનો જન્મ જૂના ધ્રાંગધ્રા રાજ્ય(હાલ જિ. સુરેન્દ્રનગર)ના હામપુર ગામે થયો હતો. વીરમગામમાં માધ્યમિક અને અમદાવાદ તથા સુરતમાં ઉચ્ચ શિક્ષણ પામેલા કાન્તિલાલ ૧૯૩૦માં બી.એ. અને ૧૯૩૩માં ગુજરાતી-સંસ્કૃત ભાષાસાહિત્ય સાથે, ગુજરાતી વિષયમાં યુનિવર્સિટી-પ્રથમ રહીને એમ.એ. થયા હતા. ૧૯૬૮માં એમણે ગુજરાતી વિષયમાં ડૉક્ટર ઑફ લિટરેચર(ડિ.લિટ્)ની પ્રથમ પદવી પ્રાપ્ત કરી હતી. અભ્યાસકાળ દરમિયાન તેમજ પછીથી પ્રકાશિત નિબંધો તથા પુસ્તકો સંદર્ભે એમણે નારાયણ મહાદેવ પરમાનંદ, વિશ્વનાથ નારાયણ માંડલિક, પંડિત ભગવાનલાલજી ઇન્દ્રજી વગેરે સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. સુરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે આરંભાયેલી કારકિર્દી દરમિયાન એમણે ૨૩ વર્ષ સુધી મુંબઈની અને વીરમગામની કૉલેજોમાં અધ્યાપક, વિભાગ-અધ્યક્ષ અને આચાર્ય રૂપે અધ્યાપન અને વહીવટી કામગીરી બજાવી હતી. ૧૯૪૮માં તેઓ ઇંગ્લૅન્ડની રોયલ એશિયાટિક સોસાયટીના ફેલો, ૧૯૬૩માં 'ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના પ્રમુખ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯મા કલ્યાણ (મુંબઈ) અધિવેશનના સંશોધન-વિવેચન વિભાગના અધ્યક્ષ વરાયા હતા.
– આરતી ત્રિવેદી
'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' (ગ્રંથ ૬)માંથી સાભાર