Author: માધવ રામાનુજ

માધવ રામાનુજ

વાંસળીના સૂર જેવાં કાવ્યો આપનાર કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨-૪-૧૯૪૫ના રોજ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામે થયો હતો. પિતા વૈદ્ય ઓધવદાસ રામાનુજ. માતા ગંગાબા. તેઓ પાંચમા ધોરણમાં ભણતા ત્યારે પિતાનું અવસાન થયું. અભ્યાસ સાથે શ્રમ ચાલતો. હાઈસ્કૂલનો અભ્યાસ અમદાવાદ, સાદરા, કોઠ, પચ્છમ અને ગ્રામભારતી જેવી પાંચ શાળાઓમાં. ગ્રામભારતી, અમરાપુરમાંથી મૅટ્રિક થયા. ૧૯૭૩માં સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટ‌્સમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડ આનંદ’ના તંત્રીવિભાગમાં, ૧૯૬૯-૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન – માસિક પત્રિકાના સંપાદન વિભાગમાં, ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખપૃષ્ઠ ચિત્રોના કલાકાર તરીકે કામ કર્યું. ૧૯૭૩થી સી. એન. ફાઇન આર્ટ‌્સ કૉલેજના એપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક, પછી આચાર્ય તરીકે નિવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તથા ઉપપ્રમુખ થયા. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન રિસર્ચ સેન્ટરમાં ૨૦૦૩થી ૨૦૧૮ સુધી સેવા આપી. ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ના પ્રમુખ.

માધવ રામાનુજ નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૧૨) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર (૨૦૧૬)થી સન્માનિત.

માધવ રામાનુજ પાસેથી ‘તમે’ (૧૯૭૨), ‘અક્ષરનું એકાંત’ (૧૯૯૭), ‘અનહદનું એકાંત’ (૨૦૧૩) તથા એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘અંતરનું એકાંત’ (૨૦૧૭) પ્રાપ્ત થયા છે.

Searching...