નરોત્તમ પલાણ
ઇતિહાસ, પુરાતત્ત્વ અને સાહિત્ય – એમ વિવિધ ક્ષેત્રોના અભ્યાસી નરોત્તમ પલાણ (જ. ૧૯૩૫) વાચક અને લેખક તરીકે બહુશ્રુત છે. ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. કરીને પૂરી કારકિર્દી અધ્યાપક અને આચાર્ય રહ્યા. વિસ્મય અને જિજ્ઞાસાથી પ્રવાસો કર્યા. પ્રકૃતિસૌંદર્યની સાથે શિલ્પસ્થાપત્યમાં પણ રસ લીધો અને અધ્યયન કર્યું. એવું જ અધ્યયન એમણે સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસનું પણ કર્યું.
‘રખડપટ્ટી’ (૧૯૭૦), ‘સરસ્વતીના તીરે તીરે’ (૧૯૭૨), ‘ચાલો પ્રવાસે’ (૨૦૦૧) એમનાં ધ્યાનપાત્ર પ્રવાસપુસ્તકો છે; ‘ઇતિહાસવિમર્શ’ (૧૯૭૯), ‘ઘૂમલી સંદર્ભ’ (૧૯૮૨), ‘શનિમંદિર : હાથલા’ (૨૦૦૭) જેવાં ઇતિહાસ-પુરાતત્ત્વનાં સ્વાધ્યાયશીલ ને રસપ્રદ પુસ્તકોથી એમણે અધિકારપૂર્વક ધ્યાન ખેંચ્યું છે.
વિવેચક તરીકે ‘લોચન’ (૧૯૮૨)થી ‘તપાસ’ (૨૦૧૯) સુદીની એમની સફર એક ખંતીલા અભ્યાસી અધ્યાપક અને એક ઝીણી નજરવાળા નિર્ભય આલોચક તરીકેની રહી છે.
એમણે શ્રી કે કા શાસ્ત્રી ગ્વાલગ્રંથ(૧૯૮૧), ઘૂમલી : રાજકીય અને સાંસ્કૃતિક(૧૯૮૨), હેમચંદ્રાચાર્ય(૧૯૮૯) એવાં મહત્ત્વનાં સંપાદનોમાં મૂલ્યવાન સાથ આપ્યો છે ને ગુજરાતી કવિતાચયન ૧૯૯૬(૧૯૯૮), બારોટ અને બારોટી સાહિત્ય(૨૦૦૧)જેવાં ચયન-સંપાદનો પણ કર્યાં છે.
વિવિધ સામયિકોમાં ઊહાપોહભરી તાત્ત્વિક ચર્ચાઓ કરતા પત્રો લખનાર પલાણે ‘હૂ હૂ’ નામે એક નવલકથા પણ લખી છે.
– રમણ સોની