આ સંપાદનમાં પ્રવાસકથા-અંશો તથા પ્રવાસ-નિબંધોનું ચયન સમયાનુક્રમે કર્યું છે. બને તેટલી લાક્ષણિક સર્જક-પ્રતિભાઓને સમાવવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. એકાધિક પુસ્તકો આપનાર લેખકોનાં બે લખાણો, અને કાલેલકર તથા ભોળાભાઈમાંથી ત્રણ-ત્રણ લખાણો લીધાં છે. એ સિવાય, અહીં પસંદ કરેલા દરેક લેખકનો એકએક મહત્ત્વનો નિબંધ લીધો છે. પસંદગીમાં સંપાદકની રુચિનો પ્રવેશ તો સહજ છે, છતાં સંપાદકો એકથી વધુ હોય તો, વધુ વસ્તુલક્ષી પણ બની શકાતું હોય છે – આમ છતાં સંપાદકોની મર્યાદાને પણ સ્વીકારવાની હોય જ.
ગુજરાતના આટલા મોટા પ્રવાસસાહિત્યમાંથી પસાર થવાનો અનુભવ મથી નાખનારો છતાં એટલો જ રસપ્રદ ને આનંદદાયક રહ્યો છે.
– સંપાદકો
ભારતી રાણે
ભારતી રાજીવ રાણે(જ.૧૯૫૪) આપણાં એક અગ્રગણ્ય પ્રવાસલેખક ઉપરાંત કવિ અને નવલકથાલેખક પણ છે. વ્યવસાયે એ તેજસ્વી કારકિર્દીવાળાં તબીબ, ગાય્નેકોલૉજિસ્ટ છે અને બારડોલીમાં ડૉ. રાજીવ રાણે સાથે પોતાની હૉસ્પિટલ ‘સ્નેહાંજલિ’ ચલાવે છે.
લલિત નિબંધોથી લેખન-કારકિર્દી શરૂ કરનાર ડૉ. ભારતી રાણે વિશ્વના અનેક દેશો-પ્રદેશોનો પ્રવાસ કરતાં રહ્યાં છે ને નિબંધશૈલીએ પ્રવાસલેખન કરતાં ગયાં છે. ‘ઇપ્સિતાયન’(૨૦૦૯)થી આરંભાયેલી આ લેખનયાત્રાના બીજા પડાવો છે – યુરોપના દેશોના પ્રવાસનું પુસ્તક ‘પગલાંનાં પ્રતિબિંબ’(૨૦૧૦), સિલ્કરૂટના દેશોના પ્રવાસનિબંધો ‘રણ તો રેશમ રેશમ’(૨૦૧૮), ઉત્તર ધ્રુવવૃત્તનો પ્રવાસ ‘ઉજાસનો પ્રવાસ’(૨૦૧૯), આઈસલૅન્ડનાં અદ્ભુત-રોમાંચક સ્થાનોના પ્રવાસનિબંધો ‘હિમાગ્નિનો વિસ્મયલોક’(૨૦૨૨) અને જાપાનનો પ્રવાસ ‘સાકુરા સંગાથે’(૨૦૨૩). પ્રવાસોમાં થયેલા માનવીય અનુભવો આલેખતું ‘સ્નેહાંકિત વિશ્વ’(૨૦૨૩) નામનું એક વિશિષ્ટ પુસ્તક પણ તાજેતરમાં પ્રકાશિત થયું છે.
પ્રવાસનિબંધકાર તરીકેનો એમનો વિશેષ એ છે કે એ સર્જકની વિસ્મયદૃષ્ટિથી ઉલ્લાસપ્રેરી શૈલીએ નિબંધલેખન કરે છે, એની સાથે વિગત-ચોકસાઈની ઝીણવટ, ને એથી આવતું કુતૂહલપ્રેરક દસ્તાવેજીકરણ પણ ચૂકતાં નથી.
એમણે વિવિધ વર્તમાનપત્રોની કોલમો ચલાવી છે, અને એમનાં મોટાભાગનાં પુસ્તકો સાહિત્યસંસ્થાઓએ પુરસ્કૃત કરેલાં છે.
એમનાં બે પુસ્તકોના હિંદી અનુવાદ થયા છે તથા એમની લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’નો અંગ્રેજી અનુવાદ A Little sky of the Wings (Tr. Rajiv Rane) નામે થયો છે.
– રમણ સોની
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ