દાયકાઓ પહેલાં મુંબઈની ફુટપાથ પરથી સુરેશ જોષીને ચાર આનામાં એટલે કે આજના પચીસ પૈસામાં ‘ધ ગ્રેટ વોલ ઓવ્ ચાઇના’ મળી ગયું. ફ્રાન્ઝ કાફકાનું નામ ત્યારે સુરેશ જોષીને અજાણ્યું હતું. આ વાર્તાના વાચને અત્યાર સુધી જે કંઈ આત્મસાત્ થયું હતું તેની સામે પ્રશ્નો થવા માંડ્યા. સુરક્ષિત એવી વાસ્તવિકતાના ફુરચેફુરચા ઊડી ગયા. ફ્રાન્ઝ કાફકા વાસ્તવ અને કપોલકલ્પિતની જે સન્નિધિ રચે છે એમાંથી પ્રગટતા ભયાનકનો સ્વાદ હજુ સુધી ચાખવા મળ્યો ન હતો. ત્યારથી ફ્રાન્ઝ કાફકા સુરેશને પડકારતા રહ્યા હતા. 1960 પછીનાં વર્ષોમાં તેમણે ગુજરાતને આ જર્મન યહૂદી સર્જકનો પરિચય કરાવ્યો. પછી તો જ્યારે જયારે તક મળી ત્યારે ત્યારે તેમના વિશે લખતા જ રહ્યા. એક બાજુ રવીન્દ્રનાથ અને બીજી બાજુ ફ્રાન્ઝ કાફકા કે દોસ્તોએવ્સ્કી : સાવ વિરુદ્ધ પ્રકારની સર્જનાત્મકતાનો સંશ્લેષ ભાવકની ચેતનામાં કરાવવાનો પડકાર પણ અહીં છે.
શિરીષ પંચાલ
સુરેશ જોષી
સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.
કોઈપણ સાહિત્યમાં જુદીજુદી શક્તિવાળા અનેક લેખકો હોવાના, કેટલાક વિશેષ પ્રભાવશાળી પણ હોવાના; પરંતુ, આખા સાહિત્યસમયમાં પરિવર્તન આણનારા તો સદીમાં એકબે જ હોવાના – સુ.જો. એવા એક યુગવર્તી સાહિત્યકાર હતા.
એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. એ પ્રકૃતિના સૌંદર્યની, એની રહસ્યમયતાની એમના સર્જકચિત્ત પર ગાઢ અસર પડી.
મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. પણ એમની લાંબી કારકિર્દી (1951-1981) તો વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહી. વડોદરા જ એમની ઉત્તમોત્તમ સાહિત્યપ્રવૃત્તિનું થાનક બન્યું.
સુરેશ જોષીએ વિશ્વભરના સાહિત્યનો વિશાળ અને ઊંડો પરિચય કેળવ્યો. એ સમય પશ્ચિમનાં ચિંતન અને સાહિત્યમાં આધુનિકતા–modernityનો હતો. એના પરિશીલનદ્વારા પરંપરાગત ગુજરાતી સાહિત્યના પ્રવાહને એમણે, પ્રભાવક લેખનથી આધુનિકતાવાદી આંદોલનની દિશામાં પલટ્યો. સતત લખતા રહીને એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી આપીને એક નવા યુગની આબોહવા પ્રગટાવી.
સર્જક તરીકે એમણે કવિતા અને નવલકથા તો લખ્યાં જ, પણ એમની સર્જકતાનું શિખર એમની વિલક્ષણ ટૂંકી વાર્તાઓ. ‘ગૃહપ્રવેશ’(1957)થી શરૂ થતા એ વાર્તાપ્રવાહથકી એમણે માનવચિત્ત અને સંવેદનનાં ઊંડાણોનો પરિચય કરાવતી વિશિષ્ટ વાર્તા રચી – માત્ર કથા નહીં પણ રચના, એ સુરેશ જોષીનો વાર્તા-વિશેષ.
સુરેશ જોષીનું બીજું સર્જક-શિખર તે એમના સર્જનાત્મક, અંગત ઉષ્માવાળા લલિત નિબંધો. ‘જનાિન્તકે’(1965)થી શરૂ થયેલો એ આનંદ-પ્રવાહ બીજાં પાંચ પુસ્તકોમાં વિસ્તર્યો.
આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો - વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.
(પરિચય - રમણ સોની)
શિરીષ પંચાલ
ગુજરાતીના આધુનિકતાવાદી વિવેચનના એક મહત્ત્વના વિવેચક શિરીષ પંચાલ (જ. 7-3-1943)નું સાદ્યંત અધ્યયન-અધ્યાપન-કેદ્ર વડોદરાની મ.સ. યુનિવર્સિટી. એ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા એ દરમ્યાન અને એ પછી સતત તે વિવેચન-સંશોધન-અનુવાદ તેમજ સર્જનાત્મક લેખનકાર્યમાં પ્રવૃત્ત રહ્યા છે.
‘કાવ્યવિવેચનની સમસ્યાઓ'(1985) એ શોધનિબંધથી શરૂ કરીને એમણે ગુજરાતી, અને મુખ્યત્વે પશ્ચિમી વિવેચન-પરંપરા અંગે ઘણા વિવેચન-ગ્રંથો આપ્યા છે એમાં એમની ઝીણી અભ્યાસદ્રષ્ટિ અને સ્વસ્થ મૂલ્યાંકનો આગળ તરી આવે છે. ‘વાત આપણા વિવેચનની' એ એમનો ગુજરાતીના મુખ્ય વિવેચકો વિશેનો અભ્યાસગ્રંથ છે.
અનેક વિદેશી વાર્તાઓના અનુવાદો એમણે કર્યા છે એના ‘યાયાવર' વગેરે પાંચ સંગ્રહો એમણે આપ્યા છે. ‘અંચઈ' વ. બે વાર્તાસંગ્રહો તથા ‘વૈદેહી એટલે જ વૈદેહી' લઘુનવલ એમનાં સર્જનાત્મક પુસ્તકો છે.
સુરેશ જોષીના આ નિતાન્ત અભ્યાસીએ પહેલાં સુરેશભાઈની વાર્તા-નિબંધ વ. કૃતિઓના સંચયો આપ્યા અને પછી સુરેશભાઈનું સમગ્ર લેખનકાર્ય ઘણા ગ્રંથોમાં સંપાદિત કરીને સુલભ કરી આપ્યું છે – એ એમની અગત્યની સાહિત્ય-સેવા છે.
ગુજરાતીમાં અનેક સંપાદનગ્રંથો પણ આપનાર શિરીષ પંચાલ હાલ ‘સમીપે' સાહિત્ય-ત્રૈમાસિકના એક સંપાદક છે.
(પરિચય – રમણ સોની)